સોમવાર, 14 એપ્રિલ, 2025

ચૂસાયેલો ગોટલો (ભારતનો મધ્યમવર્ગ)

 

Photo Credit: The economic times india

ત્રણસો રૂપિયા લઈને સવારે નોકરી ધંધાએ જતાં પહેલા ઘરનું કરિયાણું ખરીદવા જતો અને તેમાંથી ૩૦ રૂપિયા બચાવીને લાવતો મધ્યમવર્ગનો પુરુષ. વાત કરવું છે મારે એ ભારતના મધ્યમ વર્ગની જેની જનસંખ્યા દેશમાં ૩૦ થી ૩૫ ટકા છે. એનો અર્થ એ થાય છે કે ૪૦-૫૦ કરોડ  લોકો ભારતમાં મધ્યમવર્ગના છે. આ સંખ્યા ૨૦૩૦ સુધીમાં વધીને ૭૦ કરોડથી પણ વધુ થઈ શકે છે એવું અનુમાન છે. કારણ કે ભારતમાં મોંઘવારીનું ભૂત દિવસે દિવસે એક લાખ કમાતા પરિવારને પણ મધ્યમવર્ગમાં ધકેલી દેશે. 

તેઓની જીવનશૈલી વિષે વાત કરવામાં આવે તો તેઓ મોટેભાગે ભાડાના મકાનમાં રહે છે.  તથા માલિકીનું નાનું મકાન હોય છે. અથવા હોમ લોન લઈને ફ્લેટ લે છે. મધ્યમવર્ગમાં લોન ઉપર વસ્તુઑ ખરીદવાનો ક્રેઝ વધ્યો છે. બાળકોના ઉચ્ચ અને ગુણવત્તાસભર શિક્ષણ માટે મસમોટી ફી ભરીને ખાનગી શાળાઓમાં શિક્ષણ અપાવવાનું પસંદ કરે છે. કારણ કે સરકારી શાળાઓંમાં ધાંધીયા છે.  તેઓ નાના ધંધા કરે છે તથા ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતાં હોય છે. મધ્યમ વર્ગીય માનવીઓ જીવનની મૂળભૂત જરૂરીયાતો પૂરી કરી શકે છે અને ભવિષ્ય માટે થોડી બચત કરવાનું સપનું રાખે છે. તેઓની આવક એટલી વધારે પણ નથી હોતી કે સુખી અમીરીમાં જીવન ગુજારી શકે. મધ્યમવર્ગના લોકો વેકેશનમાં પરિવાર સાથે બહાર ફરવા જવાનો શોખ રાખે છે. સામાજિક મૂલ્યો મધ્યમવર્ગીય માનવીઓના જીવનમાં અનેરૂ મહત્વ રાખે છે. 

 'સાથે ન હોય પાંખ, પણ ઉડાન છે એની,

હાથ ખાલી હોય, પણ માન છે એની.

હસીને જીવે છે, લાગણીઓ છુપાવે છે,

મધ્યમવર્ગ એ છે – જે સૌના સ્વપ્નો માટે પોતાને ભૂલાવે છે'


મધ્યમવર્ગીય માનવીઓ સપના તળે દબાયેલા છે. તેઓના જીવનમાં ઘણા બધા પડકારો પહાડની જેમ ઊભા છે. તેઓની આર્થિક સ્થિતિ તેઓ જેટલી સ્થિર રાખવા માંગે તેટલી જ વધારે  અસ્થિર થતી જાય છે. ઉચ્ચ ગુણવત્તાસભર જીવન જીવવાના સપનાઓ સેવનાર મધ્યમવર્ગીય માનવીને કેટલીક વાર ઘર ખર્ચ કરવાની પણ મુશ્કેલી ઊભી થઈ જાય છે. મધ્યમવર્ગીય માનવી માટે ટેક્સ પણ ઘણો મોટો પડકાર છે. હાલ સરકારે ટેક્સ સ્લેબ માં રાહત આપી તે  મધ્યમવર્ગના લોકો માટે આશીર્વાદરૂપ પગલું છે. મોંઘવારી એ મધ્યમવર્ગના લોકોના ખિસ્સાને  ઘણો ભાર આપ્યો છે. તેઓ મોટે ભાગે ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતાં હોય છે. જેમાં નોકરીની અનિશ્ચિતતાનો ખતરો તેઓના માથે રહેલો છે. બાળકોને સારી ગુણવત્તાવાળું શિક્ષણ આપવું એ તેઓ માટે મસમોટો પડકાર છે. ખાનગી શાળાઓમાં ફી ના ઉંચા ધોરણોએ વાલીની કમર  તોડી નાંખી છે. હોમ લોન લઈને હોમ લોનનું ભારણ ભરપાઈ કરવા મધ્યમવર્ગીય પુરુષ દિવસ રાત મેહનત કરતો હોય છે. વળી, લોકોને ખુશ કરવા દેખાડો કરવા મધ્યમવર્ગીય માનવી ઉંચી વસ્તુઓ વાપરવાનું પસંદ કરે છે. બ્રાન્ડના ગાંડપણે મધ્યમવર્ગીય યુવાનોને ઘેલા કરી દીધા છે. તેઓના જીવનમાં સમાજનું અનેરું મહત્વ હોય છે. તેઓ સમાજની બીકે લગ્ન તથા અન્ય સામાજિક પ્રસંગોમાં વધુ ખર્ચ કરતાં હોય છે. મધ્યમવર્ગીય માનવીઓના જીવનમાં ડિપ્રેશનનું પ્રમાણ પણ વધારે પડતું જોવા મળે કછે.
ખાનગી હોસ્પિટલોમાં ઈલાજ માટેનો મોટો ખર્ચ તેઓ માટે પડકારરૂપ હોય છે. સપનાઓ પૂરા કરવા જીવનની ભાગદોડમાં મધ્યમવર્ગીય માનવી પોતાની આખી જિંદગી ખર્ચી નાંખે છે છતાં કાઈ હાસિલ થતું નથી.  

આમ, મધ્યમવર્ગીય માનવીની હાલત ચૂસાઈ ચૂસાઈને ચૂસેલા ગોટલા જેવી થઈ જાય છે. આ હાલત માટે મધ્યમવર્ગીય માનવી થોડાક અંશે પોતે પણ જવાબદાર છે.  મધ્યમવર્ગીય માનવીઓએ આ સ્થિતિમાંથી બહાર નીકળવા વધુ મહેનત કરવી. બિનજરૂરી ખર્ચથી પોતાને બચાવવું જોઈએ. લગ્નપ્રસંગે દેખાદેખીમાં થતો બિનજરૂરી ખર્ચ ટાળવો જોઈએ તથા લોન લઈને બિનજરૂરી શોખ પૂરા કરવાનું ટાળવું જોઈએ. મધ્યમવર્ગીય માનવી ઉક્ત બાબતોનું ધ્યાન રાખે તો ઘણી પ્રગતિ કરી શકે. દિવસો જરૂરથી બદલાય છે. 

અંતમાં એક પંકરી લખી મારી કલમને વિરામ આપું છું. 

'તવીલ ગમે હયાત સે ગભરા ન એ જીગર,

           એસી ભી કોઈ શામ હે જિસકી સહર ન હો'


- અબુસુફિયાન હાંસ 

           






                    

સોમવાર, 7 એપ્રિલ, 2025

તણખલું

તણખલું કાફી છે જલાવવા બાકીનું શું કરું,
થવાનું થઈ ગયું, હવે તારી સાખીનું  શું કરું

આખેઆખી દુકાનો છે તારા જેવા સાથીઓની,
નાની અમથી  હવે આ તારી લારીનુ શું કરું

જતી રહી એ મોસમ હવે ગરમીની,
તારી આપેલી હવે બરફની લાડીનું શું કરું.

પડી ગઈ ગાંઠ હવે ઉષ્માભર્યા સંબંધમા, 
તારી મોકલાવેલી હવે નવી દોરીનું શું કરું.



- અબુસુફિયાન હાંસ 

બુધવાર, 23 માર્ચ, 2022

ખોવાઈ જઈશ

મોતના આ દોરામાં પરોવાઈ જઈશ,
એક દિવસ હું પણ ખોવાઈ જઈશ.

ઘમંડ છે તને કે રોજ યાદ કરું છું,
એક દિવસ તું પણ વિસરાઈ જઈશ.

આમ વારંવાર આટલું બધુ રડાવે છે કેમ?
આમ ને આમ જ હું વિખેરાઈ જઈશ.

આમ આંખોને તાકીને જોયા ન કર,
એક દિવસ આંખોના દોરામાં ગૂંચવાઈ જઈશ.

આમ સાવ ' સૂફી ' તું ક્યાં રખડ્યા કરે છે,
કોઈક દિવસ આ જગતમાં ખોવાઈ જઈશ.

બુધવાર, 27 ઑક્ટોબર, 2021

કાફી છે.

મે ક્યાં તારી જિંદગી માંગી લીધી  છે,
રહેવા માટે તારા પગનો તકિયો કાફી છે.

ભલે ને હોય સામા વાળા પાસે તલવાર,
મે કાયમ સામે કલમને ઉભી રાખી છે. 

જ્યાં સુધી મળી ન જાય એ પૂરેપૂરી,
મે પણ જાગી લેવાની હઠ પાળી છે.

લાગણીની રેસમાં સતત દોડી દોડીને,
હવે તો  મારી જાત પણ થોડી  થાકી છે.

જીવવા માટે એ પણ ઘણી થઈ જશે,
થોડી સારી યાદો મે પણ સંઘળી રાખી છે.

થાકી જવાયું એટલું સમજતા સમજતા,
એણે મારી પાછળ જિંદગી ખર્ચી નાખી છે.

લોકો કહે છે ' સૂફી ' પાગલ થઈ ગયા,
અમે તો બસ પ્રેમરૂપી મદિરા ચાખી  છે.

- અબુસુફિયાન હાંસ

સોમવાર, 18 ઑક્ટોબર, 2021

સાથે છે...

તસ્વીર મારી ન એક પણ એની પાસે છે.
છતાં તસ્વીર મારી કાયમ એની સાથે છે.

એ ફોન કરે કે હું ફોન કરું, બધું એક જ છે,
અહી પ્રેમમાં આ બધી સ્પર્ધાઓ કોણ રાખે છે.

જીવ તો આપી દીધો તે  આખે આખો ભેટમાં,
એનાથી વિશેષ આ જીવ બીજુ શું ચાહે છે.

ન છૂટે કદી આપણઆ  અડીખમ સાથ ,
એવી દુઆ આ દિલ વારંવાર માંગે છે. 

રાતે એની તસ્વીરનો પ્રભાવ કેવો છે,
ચાંદની રાતના વાદળા પણ ઝાંખા લાગે છે.

અફસોસ એક વાતનો કાયમ રહી જશે ' સૂફી ' ને,
જીવ મારો છે ને અધિકાર બીજા ભાગે છે.

-  અબુસુફિયાન હાંસ





બુધવાર, 12 મે, 2021

રડાવ્યો છે મને.

તે કેટલીય વાર રડાવ્યો છે મને,
તારી પ્રીતએ ખુબ  થકાવ્યો છે મને.

એનાથી વિશેષ ઉપકાર શું હોય શકે?
તે કેટલીય વાર પડતા બચાવ્યો છે મને.

શબ્દોને સંઘરી સંઘરીને મારા માથે મૂકી,
તે સતત તારા પ્રેમથી બિરદાવ્યો છે મને.

કેટલીય વાર ઘોર અંધારી રાતોમાં પણ,
તારી છબીએ દુઃખમાંથી ઉઘાડ્યો છે મને.

જીવનમાં દુઃખનો અંબાર છે તે છતાં,
તે સતત તારી વાતથી હસાવ્યો છે મને.

જગતના લોકની વાત શું કરે ' સૂફી '?
તેઓએ  વારંવાર હંફાવ્યો  છે  મને.

- અબુસુફિયાન હાંસ

મંગળવાર, 4 મે, 2021

અકળાય છે..

સાચી વાતો કરતા પણ માણસ અકળાય છે,
સારી વાતો પણ ક્યા કોઈનાથી સંભળાય છે.

તું વારંવાર કોને કહ્યા કરે તારા મનની વ્યથા,
વાત એની તો મહેફિલે મહેફિલે બદલાય છે.

એને કાયમ દુઃખ આપ્યા કરે છે તો પણ,
એ પુત્રની જમવાની ફિકર મા ને થાય છે.

ચાંદની રાતોમાં ઘણી વાર એવું પણ થાય,
આંખો પર એની યાદોની ઉંચી પાર બંધાય છે.

સંભાળીને મૂક્યા કર એક એક કદમ ' સૂફી ',
તારી સાથે  હર  કદમ પર અલગ ખેલ રમાય છે.

- અબુસુફિયાન હાંસ

ચૂસાયેલો ગોટલો (ભારતનો મધ્યમવર્ગ)

  ત્રણસો રૂપિયા લઈને સવારે નોકરી ધંધાએ જતાં પહેલા ઘરનું કરિયાણું ખરીદવા જતો અને તેમાંથી ૩૦ રૂપિયા બચાવીને લાવતો મધ્યમવર્ગનો પુરુષ. વાત કરવું...